-
Today 15-04-2026 05:37:pm


ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં માર્ગ વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા કચ્છ જિલ્લામાં બે મુખ્ય નેશનલ હાઇવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. યોજના અંતર્ગત NH-41 પર નલિયા થી નારાયણ સરોવર સુધી 220 કિલોમીટરથી વધુ લંબાઈના માર્ગને 2-લેન પેવ્ડ શોલ્ડર સાથે અપગ્રેડ કરવા માટે ₹508.67 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાથે જ NH-927C પર ચિત્રોડ થી રાપર-બાલાસર સુધી 57 કિમી માર્ગ માટે ₹698.78 કરોડની મંજૂરી આપવામાં આવી છે. બંને પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹1207.45 કરોડ છે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા એ આ નિર્ણયનું સ્વાગત કરી આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ કચ્છના અંતરિયાળ વિસ્તારોને બાકીના જિલ્લામાં વધુ સારી રીતે જોડશે અને વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. હાલમાં આ માર્ગો સિંગલ લેન હોવાથી ટ્રાફિક ભીડ અને અકસ્માતોની સમસ્યા રહેતી હતી. હવે 2-લેનમાં અપગ્રેડ થતા માર્ગ સલામતીમાં વધારો થશે, ટ્રાફિકમાં ઘટાડો થશે અને વાહન વ્યવહાર વધુ સરળ બનશે. સાથે સાથે ઇંધણ બચત અને સમયની પણ બચત થશે. આ પ્રોજેક્ટથી કચ્છના ખનિજ અને મીઠા ઉદ્યોગોને પણ મોટો લાભ મળશે, કારણ કે માલસામાનની અવરજવર વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. ઉપરાંત પ્રવાસન અને સીમા સુરક્ષાને પણ આથી વેગ મળશે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન અને માર્ગ પરિવહન મંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કચ્છના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રકારના પ્રોજેક્ટથી જિલ્લામાં સર્વાંગી વિકાસ થશે. આ નિર્ણય માટે રાજ્યના વિવિધ ધારાસભ્યો અને પ્રતિનિધિઓએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો અને તેને લોકહિતમાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.