-
Today 17-11-2026 07:49:am


દિવાળીના દિવસે જ્યારે આખો દેશ પોતાના પરિવાર સાથે દીવડા પ્રગટાવીને તહેવારની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે કચ્છની સંવેદનશીલ સરહદ પર દેશની રક્ષા માટે અડીખમ ઉભેલા BSF જવાનો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીની ઉજવણી કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ભુજ સ્થિત BSF સેક્ટર હેડક્વાર્ટર ખાતે પહોંચેલા સાંસદ વિનોદ ચાવડાએ સૌપ્રથમ જવાનો સાથે મુલાકાત કરી અને તેમની ખૈર-ખબર પૂછી હતી. ત્યારબાદ જવાનોને મીઠાઈનું વિતરણ કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાંસદે જવાનોના સાહસ અને દેશભક્તિને બિરદાવતા કહ્યું કે, "તમે સરહદ પર છો એટલે જ દેશ આજે સુરક્ષિત છે અને અમે ઘરે શાંતિથી તહેવાર ઉજવી શકીએ છીએ." કચ્છની ક્રિક અને રણ વિસ્તારની સરહદ પર આવેલી આશરે 90 જેટલી BOP એટલે કે બોર્ડર આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા જવાનો માટે ખાસ કરીને 500 કિલો જેટલી મીઠાઈ મોકલવામાં આવી હતી. જેથી દરેક જવાન સુધી દિવાળીની મીઠાશ પહોંચી શકે. પોતાના પરિવાર અને વતનથી સેંકડો કિલોમીટર દૂર રહીને ફરજ બજાવતા જવાનો માટે સાંસદની આ મુલાકાત પરિવાર જેવો માહોલ લઈને આવી હતી. દર વર્ષે દિવાળીના અવસરે સાંસદ વિનોદ ચાવડા સરહદ પર જઈને જવાનો સાથે તહેવાર ઉજવે છે. આ વર્ષે પણ તેમણે આ પરંપરા જાળવી રાખીને જવાનો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે BSFના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જવાનોએ પણ સાંસદનો આભાર માનતા કહ્યું કે આવી મુલાકાતોથી તેમનો મનોબળ વધે છે. એક તરફ દેશવાસીઓ ઘરે દિવાળી મનાવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ જવાનો દેશની સરહદની સુરક્ષા માટે 24 કલાક તૈનાત છે. સાંસદની આ પહેલથી સરહદ પર પણ દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો.